Saturday 24 August 2013

નાગ પાંચમ_બાંડીયાબેલી






બાંડીયાબેલી

પાંચાળ પ્રદેશની પથરાળ અને લાંપડિયાળ ભુમી, સુકી અને વેરાન ધરતી. આ પ્રદેશની વચ્ચો-વચ પ્રકૃત્તીએ પોતાના સૌંદર્યને છુટે હાથે વેર્યુ છે. આ સ્થળ છે ‘બાંડીયાબેલી’. થાનની આજુબાજુના પચાસેક કી.મી.ના વિસ્તારમા નાનકડું જંગલ પથરાયેલું છે. આ જંગલ ‘માંડવ વન’ કે ‘માંડવનુ વીડ’ તરીકે ઓળખાય છે. વનની વચ્ચે ‘બાંડીયાબેલી’નુ મનમોહક સ્થળ આવેલું છે. અહીં જાંબુડા, આંબલી, ગુગળ, કેવડા, પીપળા વગેરે અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. આ ગીચ વનરાજીને લીધે અહી બારેમાસ વાતાવરણ શીતળ રહે છે. જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. પથરાળ વિસ્તારમાં ફેલાયેલાં જંગલમાં નાનાં-નાનાં તળાવ જોવા મળે છે. જ્યાં માઇગ્રેટેડ બર્ડ્સ જેવાં કે ફ્લેમિંગો, એશિયન ઓપન હિલ્સ્ટોક વગેરે જોવા મળે છે.
બાંડીયાબેલી જે વિસ્તારમાં છે તેને પાંચાળ કહેવાય છે.પાંચાળ વિશેની બહુ પ્રચલિત કહેવત છે
“ખડ પાણી અને ખાખરા, પત્થરનો નહીં ,
પણ નર પટાદર નીત જે, દેવભુમિ પાંચાળ.”
એટલે કે આ વિસ્તારને પત્થર, ખાખરા, પાણી અને દેવ ભુમિ કહેવામાં આવે છે. જો તમે રસ્તો ભુલી જાઓ તો મંદિરની આસપાસ જ ફર્યા કરો તેવું આ જંગલ છે. આ વિસ્તારને નાગભુમિ કહેવાતી હોઇ અહીંયા અનેક પ્રજાતિનાં સાપ જોવા મળે છે. જંગલમાં નાના-મોટા અનેક વોંકળાં હોવાથી ખુબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. વળી, આ ભુમિ કૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ અને દ્રોપદીનું પિયર હોઇ પૌરાણિક મંદિરો ઘણાં જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં પાણીથી ભરપુર ડેમની પણ મઝા માણી શકાય તેવી છે.
એક પૌરાણીક કથા અનુસાર અહીં કણ્વ, ગાલ્વ, આતીથ્ય, અંગીરસ અને બૃહસ્પતી એમ પાંચ ઋષીઓના આશ્રમો હોવાથી આ વિસ્તારને પાંચાળ તરીકે ઓળખવામા આવે છે. આ ઋષીઓના તપ અને યજ્ઞોમા દાનવો વારંવાર વિક્ષેપ પાડતા અને તેમને પરેશાન કરતા. આથી ઋષીઓએ હનુમાનજી, વાસુકી નાગ અને બંડુક નાગને રક્ષણ માટે પ્રાર્થના કરી. તેમની વીનંતિથી આ ત્રણે દેવોએ અહીં પોતાના બેસણા સ્થાપ્યા. વળી અન્ય કથા અનુસાર જ્યારે સર્પ યજ્ઞ થયો અને બધા સર્પો યજ્ઞમા હોમાવા લાગ્યા ત્યારે વાસુકી, ભુજીયો અને બંડુક ભાગી નીકળ્યા. વાસુકી થાનમા ગયા, ભુજીયો ભુજમા ગયા અને બંડુક બાંડીયાબેલીમા સ્થીર થયા.આ બંડુક એ બાંડીયાબેલી કહેવાયા કેમ કે તેમની પુંછડી સહેજ કપાઇ ગઇ હતી એટલે કે બાંડા થઇ ગયા હતા. પાછળથી માંડવ્ય ઋષીએ પણ પોતાનો આશ્રમ અહી સ્થાપ્યો તેથી આ વનને “માંડવ વન” કે “માંડવની વીડ” તરીકે ઓળખવામા આવે છે.
અહી સુંદર અને નાનુ બાંડીયાબેલીનું મંદીર આવેલુ છે. તેની બાજુમા જ હનુમાનજીનું અને શંકર ભગવાનનું મંદીર આવેલા છે. અહીં એક સુંદર કુંડ આવેલો છે, જેમાં બારે માસ પાણી ભરેલુ રહે છે. આ કુંડની વિશેષતા એ છે કે તેમા પાણીનુ સ્તર હંમેશા જમીનના સ્તરથી ઉંચુ રહે છે. વળી આ પાણીમા સ્નાન કરવાથી ચામડીના રોગો મટતા હોવાનુ પણ સાબીત થયેલુ છે. એને આ સ્થળની પવીત્રતાનો પ્રતાપ માનો કે પછી પ્રકૃત્તીનો ચમત્કાર. ‘અહીં ઝાડી કપાતી નથી’ એવી પણ એક લોક વાયકા છે. અને તે કાપનારાને પરચા મળ્યા ના પણ દાખલા છે. શહેરની ભીડભાડ અને તણાવયુક્ત વાતવરણથી દુર આવેલું આ એક સુંદર અને મનને અદભુત શાંતિ આપનારું મનોરમ્ય પ્રાકૃતિક સ્થળ છે.

"નાગ પાંચમ મહત્વ અને અવનવી કથાઓ છે"

શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારિણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે. પાણીની ધારાવાડી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડું અન્ન જમી એકટાણું કરે.

આપણી સંસ્કૃતિમાં દર વર્ષે નાગપૂજા કરવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં નાગપંચમી કહેવામાં આવે છે. ભગવાન શિવ પણ સર્પોની માળા ગળામાં ધારણ કરનાર નાગ દેવતા પ્રત્યે આદર કરવાનો ઉપદેશ આપે છે. જૈન ધર્મ, દર્શન તથા સાહિત્યમાં પણ નાગને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેવીસમા તીર્થંકર પાશ્વનાથના ગર્ભકાળમાં જ માતા વામાદેવીની નજીકમાં સરકતા નાગદેવતા જોયા જે દેવી દિવ્યતાનું પ્રતીક હતા. માન્યતા છે કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમી નાગોને આનંદ આપનાર તિથિ છે એટલે તેને નાગપંચમી કહે છે.

આ દિવસે સ્ત્રીઓ તેમના ભાઈની સુખ સમૃદ્ધિ અને પ્રગતિ માટે ઉપવાસ કરીને નાગદેવતાને પ્રાર્થના કરે છે. કહેવાય છે કે, ભાઈની ઉન્નતિ માટે ઈશ્વર સમક્ષ ઉત્કંઠા અને ભાવથી કરેલી પ્રાર્થના ઈશ્વરનાં ચરણોમાં પહોંચે છે. એટલે દરેક સ્ત્રીએ આ દિવસે ઈશ્વરીય રાજ્યની સ્થાપના કરવા માટે દરેક યુવાનોને   સદ્ બુદ્ધિ, શક્તિ અને સામર્થ્ય મળે, એવી પ્રાર્થના કરવી જોઈએ. 

આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે સ્વીકારેલ છે. નાગદેવતા ખેતરોનું એક રીતે રક્ષણ કરે છે, તેથી તેને 'ક્ષેત્રપાળ' પણ કહે છે. જીવજંતુ, ઉંદર વગેરે પાકને નુકસાન કરે છે તેનું ભક્ષણ કરી પાકનું રક્ષણ કરે છે. જો ગુરુ દત્તાત્રેય જેવી દૃષ્ટિ હોય તો સાપના પણ ગુણો દૃષ્ટિગોચર થાય છે.  ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, "નાગોમાં હું વાસુકિ નાગ છું." આ વાસુકિ નાગે સમુદ્રમંથન વખતે સાધનરૂપ બનીને પ્રભુકાર્યમાં નિમિત્ત બનવાનો દુર્જનોને પણ સંકેત કર્યો છે. દુર્જન જો ભગવદ્ કાર્યમાં જોડાય તો પરમાત્મા પણ રાજી રહે. શિવજીએ સમગ્ર સૃષ્ટિનું શ્રેય કરવા કંઠે વિષ ધારણ કરીને 'નીલકંઠ' બની તેમજ સાપને પોતાના શરીર પર રાખીને અને વિષ્ણુએ શેષશયન કરીને આ વાતનું સમર્થન કર્યું છે.
કાળીનાગને વશ કરવા શ્રીકૃષ્ણે ઊંડા ધરામાં ઝંપલાવ્યું અને નાગને વશ કર્યો હતો. લક્ષ્યાર્થ લઈએ તો આ દેહરૂપી ધરામાં કાળીનાગરૂપી કાળ છુપાઈને બેઠો છે અને દેહરૂપી ધરાને ઝેરરૂપ બનાવી દીધો છે. જે જે પ્રાણીઓ પૃથ્વી પર આવા દેહરૂપી ધરામાં પ્રવેશે છે તે કાળીનાગરૂપી કાળને આધીન બની જાય છે. એનું જીવન મૃત્યુમય બની જાય છે. એમાં અમૃત જીવનનો અંશ પણ રહેતો નથી.
આથી શ્રીકૃષ્ણરૂપી આત્મા કાળીનાગરૂપી કાળને ઢંઢોળી વશ કરવા માટે દેહરૂપી ધરાના ઊંડાણમાં મૃત્યુની પરવા કર્યા વિના ઝંપલાવે છે. માતા-પિતા અને ગોવાળિયારૂપી આપ્તજનોની અને દેહની દરકાર કોરાણે મૂકીને જ કાળને વશ કરી શકાય છે. મહાકાળને વશ રહેનારી અને તેને જ વરેલી એવી આશા-તૃષ્ણારૂપી નાગણીઓ શ્રીકૃષ્ણરૂપી આત્માને પાછા વાળવા માટે વિવિધ પ્રકારની લાલચો આપે છે. શ્રીકૃષ્ણરૂપી આત્મા આ બંધનમાં જકડી રાખનારી લાલચોથી લલચાયો નથી. કાળને વશ કરવાની જ્યાં નેમ હોય છે ત્યાં આત્મા લલચાય તો જીવનું કલ્યાણ થતું નથી અને જીવનની બાજી ધૂળમાં મળે છે.
માનવી આત્મજ્ઞાનને પામવા દેહરૂપી ધરામાં જો મહાકાળને (નાગદેવતાને) જગાડી દમન ન કરે તો દેહરૂપી ધરો દિનપ્રતિદિન ઝેરી બનતો જાય છે. આ દેહરૂપી ધરામાં નાગણીઓરૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે લાચાર બન્યા છે અને શ્રીકૃષ્ણરૂપી આત્માને નમી પડયા છે.


No comments:

Post a Comment